ઓડિશાના ભુવનેશ્વરમાં બુધવાર, 8 જાન્યુઆરીએ 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસના સંમેલનમાં ભારત અને વિદેશના 5,000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી ધારણા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે, જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે વિદાય સત્રની અધ્યક્ષતા કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રથમ દિવસે વિદેશ પ્રધાન એસ જયશંકર, યુવા બાબતો અને રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા અને મુખ્યપ્રધાન મોહન ચરણ માઝીએ યુવા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું.
રાષ્ટ્રપતિ મુર્મુ ભારતીય ડાયસ્પોરાના સભ્યોને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓનું બહુમાન કરવા પ્રવાસી ભારતીય સન્માન પણ એનાયત કરશે.
ત્રિનિદાદ અને ટોબેગોના પ્રમુખ ક્રિસ્ટીન કાર્લા કાંગાલૂ સમારંભના મુખ્ય અતિથિ છે, તેઓ વર્ચ્યુઅલે સંબોધન કરશે. સમારંભની મુખ્ય થીમ ‘વિકસિત ભારતમાં ડાયસ્પોરાનું યોગદાન’ છે.
ઓડિશાના મુખ્ય સચિવ મનોજ આહુજાએ જણાવ્યું હતું કે ઓડિશા સરકાર 50 દેશોના NRIs સમક્ષ રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને દર્શાવવા માટે કોઈ કસર છોડી રહી નથી.
વિદેશ મંત્રાલયના સચિવ (CPV અને OIA) અરુણ કુમાર ચેટર્જીએ જણાવ્યું હતું કે “ભારતીય ડાયસ્પોરા વિશ્વમાં રેમિટન્સના સૌથી મોટા સ્ત્રોતોમાંના એક તરીકે ઉભરી આવ્યા છે. ડાયસ્પોરાની સંખ્યા 35.4 મિલિયન છે, જેમાં 19.5 મિલિયન ભારતીય મૂળના વ્યક્તિઓ (PIOs) અને 15.8 મિલિયન NRI છે.
Comments on “ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો પ્રારંભ”